रमणलाल वंसतलाल देसाइ..एक समये आ नामनो जादु चालतो हतो Gujarati Article By Naresh K. Dodia

रमणलाल वंसतलाल देसाइ..एक समये आ नामनो जादु चालतो हतो Gujarati Article By Naresh K. Dodia
रमणलाल वंसतलाल देसाइ..एक समये आ नामनो जादु चालतो हतो Gujarati Article By Naresh K. Dodia 
- રમણલાલ વંસતલાલ દેસાઇ..એક સમયે આ નામનો જાદુ ચાલતો હતો -
લેખન અને સર્જન એક એવી પ્રક્રિયા છે જે તમારા અસ્તિત્વનું ભાન ભૂલાવી દે છે…તમારી સામે એક નવું વિશ્વ ખૂલી જાય છે..આપણે એક લાગે કે લખવુ એક સામાન્ય પ્રક્રિયા છે.પણ જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે સામાન્ય લાગતી આ પ્રક્રિયા લખનારને અસામાન્ય બનાવી દે છે.કાગળ પર નૃત્ય કરતા શબ્દોની સામે કદાચ મેનકા કે રંભા જેવી નૃત્યાંગના નાચતી હોય તો પણ રંભા કે મેનકાના નૃત્ય કરતાં આ નાચતા શબ્દો લખનારને વધું મંત્રમુગ્ધ કરે છે.
 
સેક્સ અથવા કામનો સંબધ સર્જન સાથે છે.કલા સાહિત્ય અને સર્જકતા સાથે જોડાયેલા સહું કોઇને સર્જનની ક્ષણૉ દરમ્યાન જે આંનદની અનૂભૂતિ થાય છે તેને “બ્રહ્માનંદ સહોદર” કહેવામાં આવે છે.આમ સંભોગાનંદની તોલે આવે એવા સર્જનના આંનદ પામનારાઓ માટે કામ ગૌણ બની જાય એવો સમયગાળૉ આવે છે..
 
ઉપરની આ હક્કીત દરેક કલાકારને લાગુ પડે છે,પછી તે લેખક હોય,કવિ હોય,ચિત્રકાર હોય ,નટ હોય કે અન્ય કલાનો જાણનાર હોય.
 
ર.વ.દેસાઇની મોટા ભાગની કૃતિઓનો અભ્યાસ કર્યો છે.દરેક વખતે એમની કૃતિઓમાં કંઇકને નવીન જાણવા મળ્યુ છે.સીધી અને સરળ ભાષામાં ચોટદાર અને દિલને સ્પર્શી જેવું તેવું લખવામાં ર.વ.દેસાઇની માસ્ટરી હતી.
 
એક વાર ર.વ.દેસાઇને કોઇએ પુછ્યુકે તમે અને મુનશી એ બનેમાંથી ચડીયાતું કોણ ?એ સવાલના જવાબમાં ર.વ.દેસાઇએ તેની લાક્ષાણિક શૈલીંમાં જવાબ આપ્યો કે -જાહેરમાં મુનશી અને ખાનગી માં હું !.
 
ચંદ્રકાંત બક્ષી લખે છે કે જ્યાં સુધી ગુજરાતીમાં ક..ખ..ગ..ઘ..જીવશે ત્યાં સુધી કેટલાક નામો જીંવત રહેવાના છે જેમ કે રમણલાલ, ધુમકેતુ,પન્નાલાલ,મડીયા….વગેરે….
 
અત્યારે લેખકોની એવી પેઢી બજારમાં આવી છે તેઓની પાસે શબ્દવૈભવની કંમી છે..શબ્દોના ઝરાઓ સુકાયને આજે એક ચરાહગાહ બની ગઇ છે..સરસ્વતીને પુજનારાઓના હાથમાં આજે કલમની બદલે કોઇ અણીદાર હથીયાર આવી ગયુ છે..જે હથીયારની ધાર ગમે એની જિંદગીને છોલી નાખે છે..
 
લેખકોને સામાજના આગેવાન ગણવાની જૂની પ્રથા હતી..આજે લેખક કલદાર બન્યો છે પણ કસદાર તરીકે નગુણો સાબિત થયો છે..
 
નવલકથાઓના લખનારા મહાનુભવોની એક કમી આજે ગુજરાતી સાહિત્યને ડગલેને પગલે વર્તાય છે.ભાષા વૈભવ વિજ્ઞાન છે અને લેખક એક વૈજ્ઞાનિક છે એને સતત નવા નવા શબ્દોની શોધ કરતી રહેવી પડે છે..ગુણવંતશાહથી લઇને અન્ય નાંમી લેખકો ગુજરાતી ભાષા બચાવોનું અભિયાન ચલાવે છે તેની પાછળનું સત્ય પણ આ જ છે..
 
લખનાર માણસની જવાબદારી બને છે એને સતત ગુજરાતીભાષાને નવા નવા શબ્દો અંગેજીભાષાની જેમ આપતા રહેવા પડશે અને એ લેખક સમાજનો પ્રતિનિધિ છે એ સાબિત કરવું પડશે
 
ર.વ.દેસાઇની કૃતિઓમાં જે વૈવિધ્ય અને સામર્થ્ય છે તેટલું અથવા તેનાથી ઘટતું અન્ય કોઇ સાહિત્યકારોની કૃતિઓમાં નહીં હોય.ગુજરાતી સાહિત્ય માટે જાનિસાંર થનાર ર.વ.દેસાઇનું નામ પહેલા પાંચ નામોમાં આવે છે.અંત્યત અભ્યાસુ અને મેઘાવી વ્યકિતત્વ ધરાવનાર ર.વ.દેસાઇએ પોતાની કૃતિઓમાં સાહિત્ય વિષયક છપ્પનભોગ ધરી દીધો છે.નવા બનતા લેખકોએ ર.વ.દેસાઇને અચુક વાંચવા જોઇએ મારું એવું માનવું છે. એ સમયના મેહનતાણાનો સવાલ છે..પચ્ચીસ,પચાસ..સો રૂપિયા…!
 
આ યુગના મહેનતકશ અને ખંભે વજન ઉપાડનાર,લુહારના ધમણની હાંફતાં,ફાનસના અંજવાળે એક થી એક ચડીયાતી કૃતિઓ આપનાર નામો પણ કેવા હતાં….નર્મદ,ગોવર્ધનરામ,મુનશી,મેઘાણી,ધુમકેતુ,ર.વ.દેસાઇ,લલિત,યશોધર મહેતા થી લઇને છેલ્લે ૧૯૫૬માં ચંન્દ્રકાંત બક્ષીના આગમન સુધી…આ બધાની કૃતિઓ ગણો તો એક હજાર જેટલી ય…જેમાંની અમુક કૃતિઓ આજે સાલ ૨૦૧૦માં રિપ્રિન્ટ થાય છે..દ્સમી પંદરમી આવૃતિ બહાર પડે છે..
 
મહેનત અને ઇમાનદારીની કિંમત માણસના મૃત્યુ પછી સમજાય છે.પણ માણસ કરતાં ઇશ્વરની સમજદારી વધું છે..એટલે જ ઇશ્વરના દરબારમાં મહેનતું અને ઇમાનદાર માણસોની વધું જરૂર રહે છે..લેખકની ઇમાનદારી સત્ય છે તો લેખકનું સત્ય શું છે..કદાચ ચંદ્રકાતબક્ષી પાસેથી આનો સાચો જવાબ મળી શકે છે.
 
તો ચંન્દ્રકાંત બક્ષીનો જવાબ શું છે એમના શબ્દોમાં-ર.વ.દેસાઇ ધીરે ધીરે લોકપ્રિયતા ગુમાવતા જાય છે એવું વિધાન છે.આજે પણ ર.વ.દેસાઇની વર્ષે ૧૦ રિપ્રિન્ટ થાય છે.ગુજતાતી નવલસાહિત્યમાં કેટલા પ્લમ્બરો અને ફિટરો છે જેમની વર્ષે ૧૦ રિપ્રિન્ટ થાય છે.ગાંધીજી,મુનશી,ર.વ.દેસાઇ,મેઘાણી,ધુમકેતુ,ગોવર્ધનરામના બુટચપ્પલોની લાઇનમાં બેસવાની પણ અમારામાંથી કેટલાની યોગ્યતા છે..?..ગુજરાતી સંસ્કૃતિના હોલ ઓફ ફેઇમ કે યશખંડની આ ચિંરજીવી દંતકથાઓ છે.એમણે આ કર્મભૂમિ બનાવી છે જ્યાં આજે અમે ચરી રહ્યા છીએ.(સમકાલિન-સપ્ટે ૧,૧૯૯૧)
 
રમણલાલ વંસતલાલ દેસાઇ..આ નામનો એક સમયે જાદુ ચાલતો હતો..તમારા દાદી કે દાદા સાહિત્યના શોખિન હોય તો એમને એક વાર પુછજો કે રં.વ.દેસાઇ એટલે શું..?
 
નાગરશ્રેણીમાં આવતાં ઉચ્ચ સસ્કારી પુરુષ.એમની વાર્તાઓનો એક સમયે ગુજરાતના લોકોને બેસબ્રીથી ઇંતજાર રહેતો હતો.અરે…એ સમયે એમની વાર્તાઓના પાત્ર ઉપરથી છોકરા અને છોકરીના નામ પડતા હતા.
 
સ્વચ્છ રોમાન્સ,ઉચ્ચ કક્ષાની સૌંદર્યશૈલી,થોડીક ખાટીમીઠી કટાક્ષકણીકાઓ અને નાગરાણી જેવી રસિકતા અને રહસ્યથી છલોછલ ઍટલે ર.વ.દેસાઇની વાર્તા જ હોય.એ સમયની નવયૌવનાઓને (હાલની દાદીઓ)ને હિંડોળે હીંચતા હીંચતા ભાન ભુલાવી દે એવી નવલકથાઓ એટલે ર.વ.દેસાઇની કૃતિ.
 
ર.વ.દેસાઇ (૧૮૯૨-૧૯૫૪)-પ્રથમ નવલકથા ‘જયંત’ ૩૩વર્ષની ઉમરે લખી હતી.પોતાના સાહિત્ય સર્જનના ૨૯ વર્ષોમાં કુલ ૭૪ પુસ્તકો આપ્યા.આજે ખરેખર ર.વ.દેસાઇ જેવા સમર્થ સાહિત્ય સાહિત્યકારની ગુજરાતને જરૂર છે.
 
ખરેખર ગુજરાતી સાહિત્યમાં આત્મબળ પ્રગટાવનાર એ પાંચ મહાન નામો-મુનશી,મેઘાણી,ધુમકેતુ,દેસાઇ અને બક્ષી જેવા લેખકોની ગેરહાજરી ગુજરાતી સાહિત્યને સાલે છે..એક ગુજરાતી અદના સાહિત્યકાર તરીકે કહેવાનું તો ઘણુ છે છતાં પણ વિવેક જાળવવો જરૂરી છે.ટીકા કરવા બેસીયે તો અમારા કાઠિયાવાડી લખાણો સામે બક્ષી જેવા સમર્થ લેખકોની બળવાખોર ભાષાનો પનો ટુકો પડે.
 
ર.વ.દેસાઇ લખે છે – “સાહિત્ય એક કલાસમૂહ છે,સાહિત્ય એક શાસ્ત્ર છે,તો તે સાહિત્ય ઉતપન્ન કરતી પ્રજામાં ઉંચા પ્રકારની રસવૃતિની અપેક્ષા રાખે છે.જે પ્રજામાં તનમયતા કરવાની શકિત હોય તે જ સાહિત્ય સર્જી શકે.નિર્બળ માણસ આંનદ માણી શકે નહી.જેણે શસ્ત્રદાવ જોયા નથી તેનાથી વિરરસની મોજ માણી શકાતી નથી.તેની વાણી વિરરસ ઉચ્ચારે તો તે પોકળ’મોક હેરોઇક’ માલૂમ પડવાની.”
 
ર.વ.દેસાઇ સાલ ૧૯૨૯માં ગાંધીજી વિચે લખે છે -”ગાંધીજીએ અનેક ભૂલો કરી છે.એ એમની કારર્કિદી ઉપરથી જણાય આવે છે.જો તેમને ઇતિહાસનું જ્ઞાન હોત તો અને જો તુર્કી અને ઇરાનનો પ્રવાસ કર્યો હોત તો તેઓ ખિલાફતની પ્રવૃતિ કદી ન કરત.તુર્કી અને ઇરાન અને અરબને જે સંસ્થા નહોતી જોઇતી અને જે સસ્થાને હિંદુસ્તાન સાથે કશો સંબધ નહોતો તે સંસ્થાને કાયમ રાખવા ગાંધીજીએ દેશનો સારામા સારો કાળ વિતાવી નાંખ્યો.”
 
“પરરાષ્ટ્રીય મોહજાળમામ ફસાયેલી આપણી મુસ્લિમ જનતા હિંદુસ્તાનને પોતાનું વતન ગણે એ બાબત પર ગાંધીજીએ ભાર દેવાની વધું જરૂર હતી.તેને બદલે ગાંધીજીએ પરરાષ્ટ્રીય અને હિંદથી તદ્દન અલિપ્ત એવી “ખિલાફત”ની પ્રવૃતિ ઉપાડી લીધી.”
 
જિંદગીભર શબ્દોના પુજારી રહેનાર ર.વ.દેસાઇની કલમમાંથી રસિકતા અને નાગરત્વની ઝલક છલકતી હતી.ર.વ.દેસાઇની સૌંદર્યભાવના મુનશી જેવી વિલાસી હતી પણ તેમાં જરા રસિકતા વધારે હતી.
 
તો ચાલો ર.વ.દેસાઇની રસિકતાની સફરે…..
 
“સ્ત્રીનું જ સામ્રાજય ! પુરુષ પોતાની સઘળી કૃતિનોનું પૃથકરણ કરે તો તેને જરૂર છેવટના આધારભૂત અવશેષ તરીકે સ્ત્રીની જ મૂર્તિ જ જડી આવશે.સારા કે ખોટા કામો સઘળા સ્ત્રીઓના ખેંચાણથી જ જાય છે.”
 
“મુસ્લિમધર્મે તેના સ્ત્રીત્વમાં કાંઇ ખામી ઉભી કરી હોય.એમ દેખાયું નહીં.સૌદર્ય આર્યોમાં હોય એવું મલેચ્છોમાં હોય છે – જરા વધારે રગીલું ખરું !”
 
” સ્ત્રીઓ વહેલી મોટી થાય છે-હિંદમાં ખાસ કરીને.પરિણીત સ્ત્રીનું મહત્વ એકદમ વધી જાય છે.પુરુષવર્ગને જમાડ્યા પછી જમતી હિંદી સ્ત્રીઓ ઘણા સુધારકોના કલ્પાંતનો વિષય બની જાય છે.”
 
” સ્ત્રીને છણકાયેલી છોડવી એ પુરુષથી કોઇ પણ યુગમાં બની શકે તેવું નથી.સ્ત્રીત્વ રિસાય અને પુરુષવર્ગ મનાવે એ જગતનો સનાતન ધર્મ..એમાં જાતિભેદને સ્થાન નથી.”
 
“મેઘધનુષ્ય સરખો પ્રેમ કયાં કયાં ભાવની મેળવણીથી ઘડાયો હશે ? એમાં પૂજ્યભાવ છે,સમાનતા છે,અર્પણ છે,લાલસા છે,આંનદ અને બલિદાન છે,જિવનઆકાશને ભરી દેતું એ બહુરંગી પ્રેમતોરણ !! એના રંગ કોણ ઊકેલશે ?”
 
“પ્રેમભુખ્યું હ્ર્દય સહરાના રણ કરતા પણ વધારે તપ્ત રહેતું હોય છે.પરાયામાં પાતાપણુ નિહાળવાના ફાંફાં મારનાર,ભર્યા યૌવનની નિરર્થકતાં અનુભવતી સ્ત્રી દયાપાત્ર બની જાય છે.”
 
“પ્રેમમાં વેર હોય જ નહીં,આત્મભોગ હોય.સ્વાર્થની પાળ પ્રેમ આડે બંધાય જ નહીં.તેના ભરતી ઓટને માટે ઉદારતાનો વિશાળ પટ રાખવો પડે છે.સનમની બેવફાયના ગીતો લલકારતાં સૂફીઓ સનમને જ શોધવામાં જિવન કયાં નથી વિતાવતા?”
 
“કોઇ પણ સંબધમાં એકાએક નિકટતા પામે ત્યારે તે સંબધમાં આવનારને પ્રથમ તો ભય પમાડે છે.પરંતુ એ ભયમાં પણ કોઇ એવું અજબનું આક ર્ષણ હોય છે કે થથરતાં થથરતાં પણ પ્રેમીઓ પરસ્પરને ચોટે છે.”
 
“સ્ત્રી હા-ના કરે.પરન્તું હા કહે તો તેને ઉપાડી જવાંમાં હરકત શી?ના કહે તો તેને લલચાવાય્.વધારે માં વધારે એટલું જ કે ના કહેનાર્ સ્ત્રીને જતી કરવી પડે.નીતિમાં એટલું જ ને?બાકી સ્ત્રીનું ધણીપણું કરનાર્ તો ધનનો રખેવાળ્ સરખો જ છે!રખેવાળ્ ઉંઘતો હોઇ.મુડ્દાલ્ હોઇ.કાળજી વગરનો હોઇ.તો..ધન ઉપાડી જવાંમાં હરકત શી..!!!???”
 
“જિતાય નહી તેવી સ્ત્રીને વશ કરવી હોય તો એનુ અતિ સન્માન કરવૂં જોઇયે એ જ ઈલાજ બાકી રહેતૉ હોઇ છે.”
 
“ઘણી વાર ભાગી ગયેલા પતિને હિમ્મત આપનાર તેની પત્ની જ હોય છે.”
 
“નૂતન યુગની યુવતી હ્ર્દય ધડકાવતી બેસી રહેતી નથી.તેનો પુરુષ ભય ચાલ્યો ગયો છે.શરમ પણ આકર્ષક દેખાવ પુરતી તે આવવા દે છે.”
 
“યુવતીઓ શરમાળ હોય છે,પંરતુ તે પ્રેમી આગળ નહીં;અને પ્રેમી આગળ શરમાતી પણ હશે તો તે પ્રેમ વ્યક્ત કર્યા પછી જ.”
 
“યુવતીઓની હાજરીમાં પુરુષોની ચાલાકીનો પાર રહેતો નથી.પુરુષોની સૃજન જુની ઘેલછા છે.ઘણી ચાલાકી વાચાળતાંમા પરિણામ પામે છે.”
 
ર.વ.દેસાઇએ એક મહત્વની વાત કહી છે – “ગાદી લોભી સાહિત્યકારની જરૂર આજના યુગને નથી.સમાજમાંથી તાણાવાણા મેળવનાર સાહિત્યકાર અંત્યત પ્રજાકીય હોવો જોઇએ.સાહિત્યમાંથી ગાદી,મઠ,સિહાંસન અને વાડ અદ્ર્શ્ય થવા જોઇએ.સુંદરમાં સુદર મુખ દર્પણ આગળ સુધારો માંગે છે.મેળ વગરના જિવનમાંથી ધ્વનિ નીકળતો નથી એમ જ મેળ વગરના સાહિત્યમાથી પણ જગતને ભરી દેતો ધ્વનિ નીકળતો નથી.”
 
ર.વ.દેસાઇ ઇશ્વર માટે શું કહે છે -”ઇશ્વરની ભાવનામાં કાંઇ ઢંગધડો છે!જેને ફાવ્યુ એવું માન્યું.ખ્રિસ્તીઓનો બાપ થાય છે.શાકતોની માં થાય છે.અમારા પ્રેમલક્ષણા ભકિતવાળા સખીભક્તો માટે પ્રેમી થાય છે.સાકીના હાથે શરાબોના જામ પીનારા સુફીઓની તે માશુક અને સનમ બને છે.”
 
આગળ લખે છે-”કલાની ઉપાસના થતી હોય ત્યાં પણ માનવી આ રાક્ષસી વૃતિ ત્યજી શકે તેમ નથી.લગ્ન સંબધમાં એક જ સ્ત્રી અને એક પુરુષનો ભોગ થઇ શકે છે.પરંતુ કલાને મુર્ત બનાવતી કોઇ કલાવંતી શું અનેક પુરુષોની પશુતાભરી આંખો સહેવા સર્જાયેલી છે…?”
 
કવિઓ માટે ર.વ.દેસાઇ શું લખે છે-” દુનિયાના ઓ કવિવરો ! તમે કુદરતની કવિતાઓ લખવી મુકીને ગાંધીને ત્યાં ગુમાસ્તા રહી જાઓ.ત્યાં પણ તમને તો ના રાખે ! ચોપડામાં જમઉધારને બદલે ડોલનભરેલી કવિતાઓ લખાય જાય.”
 
“ગરીબોના સ્વપનો ખૂંચવી લેવામાં આવે તો તેમના જીવનમાં શું સૂખ રહે? એકેય નહીં ! કુવેથી પાણી ખેંચતી કોઇ કન્યાને એકાદ રાજકુમારને પોતાનું બેડુ ચડાવવામાં સહાય કરતો કલ્પે અને રોમાંચ અનુભવે ; કોણે આવા સપના નહીં સેવ્યા હોય.
 
 
એ સમયે ર.વ.દેસાઇ અને મુનશી વચ્ચે સરખામણી બહું થતી હતી અને એ સમય ગુજરાતી સાહિત્યનો સુવર્ણકાળ ગણાતો હતો.ર.વ.દેસાઇ વિશે શું કહે છે-મુનશીનો મને નહીં જેવો પરિચય છે.અરસ પરસ એકબીજાને નહી જેવી જ ગરજ છે.મુનશી વિરુધ્ધ આક્ષેપોમાં મુનશીને ઉખેડી નાખવાની જેહાદ મચાવવા જેવું શું છે એ મને સમજાયુ નથી…મુનશી વગર ગુજરાતી સહિત્ય પરિષદને નહીં જ ચાલે એવું આજ સરખા હક્કના યુગમાં માનવા કે મનાવવાની જરૂર પણ નથી.છતાં પણ મુનશીનું સ્થાન સાહિત્ય પરિષદમાં લે એવી આપણી પાસે વ્યકિતનો કેટલી હશે…?
 
ર.વ.દેસાઇ લખે છે-પંદર વર્ષના સાહિત્ય અભિલાષી કિશોરને પ્રેમ કવિતા લખતા ન આવડે અને જો પંદર વર્ષે જો પ્રેમ કવિતા લખતો હોય તો એનું સાહિત્ય પાન ફાડીને એને અખાડામાં કે બ્રહ્મચર્યઆશ્રમમાં મોકલૉ દેવો જોઇએ.પંદર વર્ષે લખાયેલી પ્રેમ કવિતા રોગીષ્ટ જ હોય…
 
નવા લેખકો માટે ર.વ.દેસાઇ કહે છે-નવા લેખકોને ઘાવ ન લાગે તેનું ખાસ જોવું જોઇએ.પ્રતિષ્ઠિત લેખકોની ખબર લઇ નાંખવામાં વાંધો નહીં.પરંતુ નવીન લેખક પ્રહારોથી જરૂર કરમાય જવાનો છે અને ટીકામાં પણ મર્યાદા હોવી જરૂરી છે.
 
ર.વ.દેસાઇ ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’માટે શું કહે છે? – ‘સરસ્વતીચંદ્ર’એ એક સરસ નવલકથા ખરી,પરતું એને સર્જનાર બળ ક્યાં ? …સુંદર,કલાત્મક,ભાવવાહી સર્જન તો ‘સરસ્વતીચંદ્ર’માં થયુ છે,છતાં પરણવાને પાત્ર નાયક-નાયિકાને ગોવર્ધનરામની પ્રતિભા પરણાવી શકી નહી ! કલાનો ઉદેશ જો પ્રચાર હોય તો ગોવર્ધનરામની કલા ટુકી પડી છે,પ્રગતિની દ્રષ્ટીએ કલા દોડતા દોડતા થાકી ગઇ..છતાં પણ ‘સરસ્વતીચંદ્ર’આપણા સાહિત્યનો માર્ગ સ્તંભ…
 
લેખક,કલાકાર જેવા જિંદગીભર પોતાની આંખોને નીચોવી લે તેટલી કામમાં લે છે..છેલ્લે શું બચે છે એક ખખડેલ,અર્ધ અંધ તુટેલો આત્માં જેના ખોળીયામાં એક કલાકાર મરી ગયો હોય છે પણ જિજિવિષા જીવતી રહી ગઇ હોય છે…જવાનીમાં થયેલા ઝખ્મોનો સરવાળૉ અને ઠોકરોના ગુણાકાર..અને મોટાભાગના કલાકારોની પાછલી જિંદગી તકલીફ વાળી હોય છે.
 
પ્રખ્યાત ગાય’દ મોપાસા ગુપ્તરોગના પીડા અને પાગલપણાના કારણે મૃત્યુ પામ્યો.ફેડરીક નિત્સે પાગલ થઇ ગયો.કવિ એઝરા પાઉન્ડ પાગલ થઇ ગયો હતો.કલાપી શોભનાના વિરહમાં યુવાનીમાં મૃત્યુ પામ્યા.રણજીતરામ જુહુના દરિયામાં ડુબીને મૃત્યુ પામ્યા.કવિ ગેટે તેની પ્રેમિકાના વિરહમાં ૪૫ વર્ષ કાઢી નાંખ્યા.કવિ બાયરનને ઇંગ્લેન્ડમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા.મહાન ખલિલ જિબ્રાન તડપી તડપીને જિંદગી વિતાવી નાંખી.અર્નેસ્ટ હેમિંગવે બંદુકની ગોળીથી આત્મહત્યા કરી લીધી…
 
૧૯૨૫માં ર.વ.દેસાઇની પ્રથમ કૃતિ ‘જંયત’પ્રકાશિત થઇ હતી.દક્ષા અને જ્યોત્સ્ના નામની બંને બહેનો એક જ માણસ જંયતને પ્રેમ કરે છે.પોતાની પ્રથમ નવલ થકી જ ર.વ.દેસાઇની શૈલીની સ્પેશિયલ ઇફેકટ વાંચકોને થઇ ગઇ..
 
આ નવલકથાનું એક વાક્ય,”બધી જ સ્ત્રીઓ સરખી જ ! દ્રષ્ટીનો જ ફેર છે.સિંહની દ્રષ્ટી પડતા જ સિંહણ ધુળમાં લેટી જાય છે.”
 
સ્ત્રી અને પુરુષ,પ્રેમી અને પ્રેમિકા,પતિ અને પત્ની અને સામાજિક વિષયો ઉપર ર.વ.દેસાઇની કલા ઝળકી ઉઠે છે.
 
“બુધ્ધિ અને દેહના વેચાંણ તો સહુ કોઇ કરે છે.ગણિકાનો ધંધો વકિલ,ડોકટર કે અમલદાર કરતા હલકો નથી.”
 
“ગુજરાતી ગૃહિણીઓને પહેલી પત્ની કરી કે મરી જવાની ભારે આદત લાગે છે.કદાચ કોઇ એવા વહેમને વશ થઇને જ આજની ભણેલી ગણેલી યુવતીઓ બહુપત્નીત્વ,અરે..વિરૂધ્ધનાં લાંબા ભાષણૉ કરીને બીજી પત્ની તરીકે સરળતાથી કોઇ પતિના ઘરે બેસી જાય છે-પહેલી પત્નીના ગુજરવાની રાહ જોયા વગર !”(રખવાળ-૧૯૪૯)
 
“સ્ત્રીઓને કહેવામાં આવ્યુ – તમે ભણો,નહીં તો સારો વર તમને મળશે નહીં….સ્ત્રીઓએ એ વાત કબુલ કરી ભણવા માંડયુ-એટલું સારું ભણવા માંડયુ કે પુરુષોને શરમ આવે.” (નિષ્ચય-૧૯૪૯)
 
ર.વ.દેસાઇએ આઝાદી પહેલા તેના એક પુસ્તક ‘પૂર્ણીમા’ની પ્રસ્તાવના આ રીતે લખી હતી.-”પૂર્ણીમા..આપણી પતિતાઓના જિવનની ઝાંખી કરાવે છે.એ સભ્ય વિષય તો નથી જ ! કિશોરો અને યુવાનોના હાથમાં આ પુસ્તક સહેલાયથી મુકી શકાશે..?..સાહિત્યમાં વિશુધ્ધમાત્રની ઇચ્છા રાખનારને આ નવલકથાની નૈતિક અસર સંબધી જાતે ખાતરી કર્યા વગર અન્યના હાથમાં ન મુકવા મારી નમ્ર વિનંતી છે.”
 
આજની ભેળપૂરી જેવી નવલકથાઓના લેખકોની પ્રસ્તાવના સામે આઝાદી પહેલા ર.વ.દેસાઇએ લખેલી પ્રસ્તાવનાની તુલના કરીને વાંચકોએ જાણી લેવું જોઇએ કે એ યુગ ખરેખર ગુજરાતી સાહિત્યનો સુવર્ણયુગ હતો.
 
ર.વ.દેસાઇના થોડા વાકયોને માણીયે…..
 
“મોટી બહેનનું વાત્સલ્યપણુ અને સખીનું સહહ્રદયપણુ-એ બેના મિશ્રણથી સંસ્કારી ભાભીનો દિયર પ્રત્યેનો ભાવ ઘડેલો હોય છે.” (આ એક વાકયનો ભાવાર્થ જરા લંબાણથી વિચારીયે તો ર.વ.દેસાઇએ ચારિત્રની ભાવનાને કેટલી ઉંચાઇએ પહોચાડી છે.)
 
“પરાઇ સ્ત્રીનો પ્રેમ ધંધામાં યારી આપતો હોય તો શા માટે જતો કરાય.”
 
“લગ્ન સુધી દરેક પુરુષે સ્ત્રીમિત્રની આડોડાય સહન કરવી જ રહી,પરંતુ લગ્ન સ્ત્રીની બધી જ વિચિત્રતાનો અંત લાવી દે છે.”
 
“લગ્ન જ જેનું ધ્યેય હોય છે એવા સ્ત્રી વર્ગની કલ્પના સંતોષે એવા પતિની આશા હોય છે,તો પછી આધુનિક કેળવણી તેની સ્વાભાવિક વિલાશપ્રિયતા અટકાવતી નથી.”
 
“જમીન ઉપર નિશ્ર્ચલપણે પગ મુકીને ઝડપથી બેધડકપણે ચાલી જતી ગ્રામસુંદરીનું દેહડૉલન ઓછુ આકર્ષણ હોતું નથી,અને ગામડિયણ ગણાતી સ્ત્રીઓ તરફ પુરુષો ખેચાતા નથી એવું માનવાનું જરાય કારણ નથી.”
 
“પુરુષ હ્ર્દય સ્ત્રીસૌંદર્ય પાછળ ભીખારીની માફક ઘસડાયા કરે છે એમ ધીમે ધીમે સહું કોઇ સમજે છે.સ્ત્રીઓ સહુથી પહેલી સમજી શકે છે.પછી એ સૌંદર્ય હ્રદયનું હોય,બુધ્ધિનું હોય કે શરીરનું હોય.”
 
“પતિની રસિકતા સહજ તીવ્ર અને ઉગ્ર બનતા પત્નીને મીઠુ દેહકષ્ટ થાય એટલી ક્ઠોર બને એ સાહજીક છે.તેમાં પતિ અને પત્નીનો દોષ જોઇ શકાતો નથી.રસશાસ્ત્રતો આવી કઠોરતાને આવકાર જ આપે છે.”
 
આવા તો અનેક રસિક અને રસદાર વાક્યો ર.વ.દેસાઇની નવલમાં વાંચવા મળે છે.આ જોતા એમ જ લાગે છે ર.વ.દેસાઇ પોતાના જમાના કરતાં ઘણા આગળ હતાં.
 
-નરેશ કે.ડૉડીયા  

== Corner ==
 
“સૌંદર્યદર્શન સર્વદા હ્રદયને કુમળુ બનાવે છે,પૂજન કરવાથી સૌંદર્ય પુષ્પ સમુ કોમળ,સુવાસિત અને પવિત્ર બની રહે છે.તેનું અપમાન કરવાથી તેમાંથી વિષભર્યો નાગ નીકળીને આવી ડસે છે.” (ર.વ.દેસાઇ)
Advertisement

No comments:

Post a Comment