जाहेरमां कवितां ठपकारवी ए जाहेर जनतां माटे हानिकारक छे Gujarati Article By Naresh K. Dodia

जाहेरमां कवितां ठपकारवी ए जाहेर जनतां माटे हानिकारक छे  Gujarati Article By Naresh K. Dodia
જાહેરમાં કવિતા ઠપકારવી જાહેર જનતા માટે હાનિકારક છે.-હાસ્યલેખ

પહેલાનાં જમાનામાં કવિઓ રસ્તા પર કવિતા ગાતા હતા અને મસ્તીમાં જીવતા હતાં…કબિર,નરસૈયા જેવાં કવિઓ એની મસ્તીમાં ગામની સડક પર ગાતા ગાતા નીકળી પડતાં.

અમારા ગામ એક પ્રખ્યાત કવિએ પોતાનું થોથું હાથમાં પકડીને ચાર પેગમારીને પોતાની કવિતાઓ ગાતા ગાતા નિજાનંદમાં હાલ્યાં જાતા હતા…એ કવિનો અવાજ જરા પહાડી હતો(ખા…નગીમાં ભજનો ગાતો હતો)….

આવાજ સાંભળીને બે-ચાર ગાયો ભડકી ગઇ…બે બાઇ ગાયુને એઠવાડનું તપેલું ભરીને ખવરાવતી હતી,એમાં ગાયોની હડફેટે એક તપેલું આવી ગયું,અને એ તપેલુ ઉલરીને એક ભાભો બીડીના કસ મારતો હતો સીધા માથામાં ભટકાણું,ભાભાનાં માથામાં ભટકાયને તપેલું નીચે સુતેલા ડાધીયા કુતરાની ઉપર પઇડું,એટલે ઓલા કુતરાની કમાન છટકી ગઇ અને ઓલા ભાભાને બટકું ભરી લીધું,ભાભો બીચારો બીકનો માઇરો આમતેમ હળી કાઢવા લાઇગો,એમાં ભાભાની હળફેટે બે બાયું શાક લઇને હાયલી આવતી ઇ આવી ગઇ

બાયુંએ ભાભાને સરખી રીતે ઠપકારયોને કિધું કે ગઇઢે ગઢપણ જુવાન બાયુને હડફેટે લેતો જાય છે,હળાહળ કળજુગ છે,તો યે કવિરાજ તો પોતાની મસ્તીમાં કવિતા ઠપકારયે જાતા હતા…કવિનો પહાડી અવાજ સાંભળીને આજુબાજુનાં ઘરમાં ઘોડીયામાં સુતેલા છોકરાવ જાગી ગ્યા અને દેકારોને બાપોમારી કરવા લાઇગા,છોકરાવનો દેકારો સાંભળીને એની માયુએ ઘરની બહાર દેકારો કરતાં કવિની ઉપર શાકના ડીટીયા ને ડુંગરીના છોતરાની ભરેલી છાબડીનો ઘા કઇરો.કવિએ અચાનક એક ડગલુ ભઇરુને છાબડી કવીને બદલે  એક જુવાન બાઇ ટાપટીપ કરીને હાયલી જાતી એની ઉપર પઇડી,એ જુવાન બાઇ ઓલા છોકરાની માયું હારે બાજવા લાઇગી……

જુવાન બાઇ અને ટાપટીપ વારી હોય એટલે ગામના જુવાનીયા થી લઇને ગઇઢાને સૌવની આંખોને ઠંડક પહોચાડે એવી લાગે.

આ જુવાન બાઇને છોકરાનું માયુ હારે બાઝતા જોઇને થોડાક જુવાનીયા અને બે-ચાર ભાભા એ બાઇની આજુબાજું ઉભા રઇ ગ્યા.

જુવાનબાઇ પણ માથા ફરેલી હતી,ઓલી છોકરાવની માયુંને કીએ કે”આંધરીની છો,હું આંઇથી હાયલી જાંઉ છુ ને મારી માથે આવા ટોપલાનાં ઘા કરો છો?”

એક છોકરાની માં બોલી,”બેન,અમે તો આ મુવા કવિ ઉપર ફેઇકા તા,ઇ નઘરોળ આઘો હટી ગ્યો ને તમારી ઉપર છાબડી પઇડી,એમાં અમારો વાંક નથ બેન”

જુવાન બાઇની બાજુમાં ઉભેલો મોહન ચકેડી નામનો જણ વચમાં કુદી પઇડૉ અને છોકરાની માયુને કીએ કે” બાયુ,આમ આંધરાની જેમ છાબડીના ઘા થોડા કરાય,આવી નમણી નાડાછડી જેવી બાઇને આડુઅવરૂ લાગી જાત તો ?”

એક છોકરાની માં એ મોહન ચકેડીને કિધું કે” એલા એઇ ગામનાં ઉતાર,પેલા તારી બાઇડીને માવતરેથી પાછી લઇ આવ ને. તારી મા એક વરહથી રીસામણે બેઠી છે,ગામની બાયુની ચિંતા કરછ”

મોહન ચકેડી આસ્તેથી રસ્તો ચાતરી ગ્યો.

એવામાં ગામનાં દરબાર ગમ્ભીરસિંહ ધનેળાવાળા બુલેટ લઇને નિકળ્યા.બાપુ ટોળું ઉભેલું જોઇને પહેલા બુલેટ પાછું વાળીને ભાગવાની તૈયારીમાં હતાં,પણ ગામની બાયુંને ઉભેલી જોઇને એનામાં હિંમ્મત આવી ગઇ અને બુલેટ પાછું વાળ્યું

ઉતરીને ઓલી જુવાનબાઇને હામે જોઇને સીનો ટટ્ટાર કઇરો અને બુશકોટની બે ઇ બાયુંને સરખી કઇરી.પછી ઓલી જુવાન બાઇને કિએ કે શુ થ્યુ,આમ મોઢા ચડાવીને કાં ગામની વચારે ઉભા છો.”

એમાં કિશલો તીડી નામનો જણ જુવાન બાઇ કિએ ઇ પેલા તો બાપુને કીધું કે “બાપુ,ઓલા જમન સુતાર ને જગલા સુતારનાં ઘરવારીએ આ જુવાનબાઇ હાયલી જાતી તી ને એના ઉપર શાકનાં ડીટીયા ભરેલી છાબડી ફેયકી.”

આટલું સાંભળતા બાપુની આંખ્યુંમાં લાલાશ ઉભરી આવીને સીનો ટટ્ટાર રાખીને ઓલા છોકરાવની બાયુને ત્રાડ પાડીને કિધું કે,”એ ઇઇઇઇઇઇઇ…..શરમ નથ આવતી રસ્તે હાલતા માણા ઉપર આમ કચરા ફેકો સો તી”

પેલા તો એક બાઇ બચારી ગભરાય ગઇ,પણ બીજી બાઇ હિમ્મતવારી હતી,ચોકડીમા લુગડા ધોવાનો ધોકો ઉપાયડો અને બાપુને સામી ત્રાડ પાઇડી,” એલા ઇ ,આમ રાડુ પાડીને એમ હમજે છે કે ગામની બાયુ તારાથી બી જાહે…હાઇલ હાઇલ …તારા રસ્તે પડ નઇતર આ ધોકો તારો સગો નઇ થાય.”

બાપુનું મોઢું સાપે છંછુદર ગળ્યા જેવું થઇ ગ્યું,એમાં બાપુનો એકાદ સમજેલ ભાઇબંધ એની બાજુમાં ચડી ગ્યો ને બોઇલો કે ,” બાપું!આ ગામની બાયુને મોઢે શું કામ લાગો સો,હાલો નીકરો આંઇથી.”

બાપું એ સીધી બુલેટની કિક માઇરીને બુલેટમાં વેતા થઇ ગ્યાં

હવે આ કવિની વાત પર આવીયે.આ કવિ મહાશય થોડા ભણેલા ગણેલા હતાં.થોડા મહિનાઓથી ફેસબુક નામના કોઇ મજાનાં સામાજિક નેટવર્કમાં આઇ ડી બનાવ્યું હતું.કવિતા પણ ગામઠી અને શહેરી ભાષામાં લખે.જેવું તેવું કોઇને ના સમજાય એવું લખે એટલે લોકોની કોમેન્ટ ખૂબ જ આવે,કવિ બચારો રાજીના રેડ થઇ જાય.આમ તો આ કવિ પોતાનાં ખરચે છાંટોપાણી કરતાં નથી,કરે પણ ખરા!પણ સંજોગોને આધિન થઇ રહે છે એટલે સંજોગો જોતાં ખરચો સહી શકે તેમ નથી.

મોટા ગજાનાં કવિઓ અને શાયરો ફેસબુકમાં પોતાનાં આઇડી બનાવે અને ટૅટસમાં પોતાની કવિતાં મુકે અને આ કવિ આ બધું જોઇને રાજી રાજી થઇ જાય.

માનનિય કવિશ્રી ખરાજ સાહેબ શ્રી બધિર અમદાવાદીનાં આમત્રણને માન આપીને “ગ્રીષ્મનું ગાન”નાં નામે એક કવિ સંમેલનમાં ભાગ લેવા ગ્યા હતાં અને ત્યાંથી આવ્યાં પછી ખબર નથી પડતી ગ્રીષ્મની મૌસમનાં ખરાજ સાહેબને કંઇ પ્રકારનાં સ્ટ્રોક લાગ્યા છે અને કંઇ જગ્યાએ લાગ્યા છે.જે દિવસથી ખરાજ સાહેબ પરત ફર્યાં છે,તે દિવસથી પાગલો જેવું વર્તન કરે છે,અને નશામાં ચકચુર રહે છે.જોકે આ બાબતે માનનિય બધિર સાહેબનો સંપર્ક કરતાં તેઓએ તાત્કાલિક ધોરણે આવી બાબતો પર બયાન આપવાનું મુલતવી રાખ્યું છે.કદાચ ધરના ઝઘડાની જેમ મામલો થંડો પડે પછી બોલવું એ અનુભવ પરથી આવું સમજદારી ભર્યું પગલુ ભર્યું હોય એવું પત્રકાર વર્તુળોનું માનવું છે.

થોડા દિવસો પહેલા કવિ મુંબઇ ભજન ગાવા ગયેલા ત્યારે કોઇ આયોજકોએ આપેલી બે વ્હિશકીની બાટલી કવિએ સાચવી રાખેલી,એમાંથી એક બાટલી ડામચીયા નીચેથી કાઢીને ખરા બપોરે ધોમ તડકાંમાં ચાર પેગ ઠપકારી દીધા,ચાર પેગ ભુઇખા પેટે લીધા પછી કવિ જેવાં નાજુક દિલ થોડા ઘરમાં બેસી રહે?કવિરાજ અસલ રાજાપાઠમાં આવીને રસ્તા પર પોતે કબિર કે નરસૈંયો હોય એવા અંદાજમાં કવિતા અને ભજન જે કંઇ મગજ અને દિલનાં તંરંગો   વલોપાત થઇને  મોઢા વાટે પહાડી અવાજોમાં રસ્તે ચાલતા રાહદારીઓ અને પ્રાણીઓનાં દીમાગો અને કર્ણપટલો  કોઇ ખતરનાક અસર છોડતા હતાં

આ કવિનું આખું નામ છે.ખચરીયા રામજી જમન.તેના તખ્ખલુસ “ખરાજ”ના નામે ફેસબુકમાં જાણિતા છે.રામજી-જમન(ખરાજ)હાલમાં ફેસબુક નેટવર્કમાં જબ્બરદસ્ત લોકપ્રિયતા ધરાવે છે.જેવી પોતાની પોસ્ટ મુકે અથવા કોઇની વોલ પર ટેગ કરે એની સાથે તો કોમેન્ટોનો ધસારો શરૂ થઇ જાય.ખરાજ કોઇ પણ રચના લખે દીલને ડૉલાવી નાખે એવી હોય છે…ખરાજ સાહેબની સ્ત્રી પ્રંસશકોનો એક સમુહ છે.એ ફેસબુકમાં લોગ-ઇન થાય એટલે પહેલા ખરાજ સાહેબની વોલ દર્શન કરે છે અને પછી પોતાની ફેસબુકની કાર્યવાહી આગળ વધારે છે.

જે લોકો ફેસબુકમા આવ્યા પછી પોતે કવિ બનવાના ખ્વાબ સેવતા હોય એ નવાસવા કવિઓ ખરાજ સાહેબની વોલમાં ૧૧ કોમેન્ટથી લઇને ૫૧ કોમેન્ટ સુધીની માનતા રાખે છે..અને મોટા ભાગના કવિઓની આ માનતા સફળ થઇ છે અને આ કવિઓના બેફામ ટેંગીગ પ્રવૃતિઓથી ફેસબુકની વોલ ભરાય પડી છે.

ખરાજ સાહેબના ખાસ ચુંનિદા શેરો પર એક નજર નાખીયે

આ હૈયું મારું બેટું કેમેય કરી હાથમાં ના રેતું 
બાયું દેખીને થાય છે ખુટીયાની જેમ ભુરાટુ ..

રોજ સવારે બ્રસ કરીને હું નાશતો કરૂં છું
એટલે હું દરેક લારીવાળાથી નાસતો ફરૂં છું

પ્રિયતમ,પ્રિયતમ કહી નીતનવાં વાઘા ખરીદવામાં
જુવો,તારા પ્રિયતમ હવે ચડીબબિયાનધારી થઇ ગયા

ફીકર નોટ,ફીકર નોટની તારી મસ્તી માણવામાં
જુવો,આજે અમારા હાલ નોટોની ફીકર કરતાં થયાં

મારી સંવેદનાઓનાં હાકલા-પડકારા રોજ કરૂં છું
ડાકલા વાગે ને એમ હું ભુવાની જેમ ધુણું છું

પ્રેમમાં અનેક દિવાનાઓની દિવાનગી બોલે છે
કડકીના કારણે ખાલી પેટમા ગલુડીયા બોલે છે

ચાહતો હું એને ફુલ સમી કોમળ કળી સમજી
સળી કરવામાં એ એક પણ મોકો ના ચુકી

કેમ કરીને મનાવુ મારા પાગલ મનડાના મોરને
ખરી ગયાં તમામ પીછા તોયે કળા કરવાની નેમ

મળવાનો એક મોકો મળ્યો પગપાળાને અંતે
મિલન એ ક્ષણૅ હું બેભાન થઇને ઢળી પડયો

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
જયારે આપણે ફુટેલી કિસ્મતની રેખા બોલે છે

મુજ પર સિતમ કરી ગયા સે મારી ગઝલના શેર
વાંચીને સમજાયુ ના હોય એમ માથું ખંજવારે સે

આવા તો અનેક લોકજીભે ચડી ગયેલા ગુજરાતી ગઝલનાં અમોલ રત્નો જેવા શેરો ગુજરાતના બચ્ચે-બચ્ચા જાણે છે.

ઝઘડાઓની વચ્ચે કવિતા લલકારતા ખરાજ સાહેબ તો ગામના પાદરે પોગી ગ્યાં એવામાં બધાને યાદ આવ્યું કે જેના કારણે ડખો થયો એ કવિરાજ કયાં ચાલ્યાં ગયાં?

ગામનાં એકાદ ભાભાએ ગામનાં જુવાનીયાને હાકલ કરીને ખરાજ સાહેબને ગોતવા વેતા કર્યાં.કેશું વોઠીયો,ચમન ઉઘાડપગો,રામજી ડગલી,કાનો કલગી,નારણ નાગો,અને ભાણજી ભુત જેવા યુવાનો કવિરાજને શોધી કાઢવા નીકળી પડયા.

ગામના ચોરા પાસે પહોચી ગયેલા ખરાજ સાહેબને ગામના જુવાનીયા ટીંગાટૉળી કરીને લઇ આવ્યાં,પેલો ખખડી ગયેલો ભાભો કીએ કે,” એલા એ રામલા,તારા બાપ જમનનો ગીરાશ સે તો ગામ વચારે તડકાધોમનો દેકારા કરતાં હાલી નીકરો સો,જોયું નઇ કેટલી બાયુ,ગઇઢાવ અને છોકરાવ તારી હારું હેરાન થાવું પડૅ સે,ઓલા ભાભાને કુઇતરું કઇળી ગ્યું,એક બે બાયુ બચારી વગર મફતની ગાયુની હળફેટે આવી ગઇ.”

નશામાં ડોલતા ડૉલતા ખરાજ સાહેબે કઈ સાંભળ્યું ન હોય તેમ મોં નીચું રાખી ડોલતા હતાં,આ જોઇને ઓલા ભાભાની કમાન છટકી ગઇ

“એલા એઇ રામલા,ડફોળ સાંભરે સે કે નઇ…બેરીના પેટના.”

નશાની હાલતમાં ખરાજમાં અચાનક જોષ આવે છે અને ભાભાને કહે કે”ખબરદાર ! મારી માં માટે એક પણ શબ્દ આડૉઅવળૉ બોલ્યો તો,તારી ખેર નથી,મફતની બીડીયુંના ઠુંઠા ફુંકનારા ભાભલા……સટ અપ….”

આટલું કહીને ભાભલાને ધક્કો માર્યો અને ભાભલાનું બેલેન્સ ના જળવાતા બાજુમાં ચોઇણી ને કેળયું પહેરીને ઉભેલા ભાઇનું કેળયું હાથમાં આવી ગ્યું .વરસોથી ઘસાય ગયેલું કધોણુયું કેળયું ફાટી ગ્યું ને કેળયાના ફાટેલા કપડાનો કટકો ભાભાના હાથમાં રહી ગ્યો ને ભાભા નીચે ફસડાય પડયો,અડધું કેળયું પહેરેલો પેલો ભાઇ ગામની વચારે દેકારોને બાપોમારી કરવા લાગ્યો.

“મારા રોયા!માંડ માંડ પેરવાનાં એક બે જોડી લુગડાની હોય ને એક જોડીની પથારી ફેરવી નાખી.ભાભલા તારું મોત આવે”

બાજુંમાં ઉભેલી એક બાઇ ભાભલાની કાંઇ સગી થાતી હશે,એ વચમાં ઉલરી પડી ને ઓલા લઘરવઘર હાલમાં ઉભેલા પેલા ભાઇને જેમ ફાવે એમ ઠપકારવા લાગી ને કેવા માંડી-

“મુવા તારું નખ્ખોદ જાય,તારા ખેતરના ઉભા મોલ મારા ગામના ઢોરા ભેલાણ કરી જાય”

પેલો લઘરવધર પેલી બાઇની સામે પડયો ને કેવા લાગ્યો કે,”બઉ બોલ બોલ કરતી નઇ…નઇતર તારી બધી પોલ છતી થઇ જાહે અને ગામમાં મોઢું દેખાડવા જેવી નઇ રે,કાનાભગતના છોરા હારે નદીની કોતરમાં પકડાય ગઇ’તી ખબર સે ને,હાલ વે તી થા.”

પેલી બાઇ મોઢા ઉપર સાડીનો છેડૉ ઢાકી રાખી આસ્તેકથી ભીડને ચાતરી ગઇ.

આ દેકારાની વચ્ચે ખરાજ સાહેબે લથડીયું ખાધુંને બાજુમાં ઉભેલા એક જણનાં માથા હારે એનું માથું ભટકાણૂં,ઓલો જણ હતો સાવ મરેલ જેવો ને સુકલડી,ને છપ્પનીયા દુકાળની માનવિય સાબિતિને તાદ્દશ રજુ કરતા નમુના જેવો..ખરાજ સાહેબ જેવા પડછંદ અને પડછંદ અવાજના માલિકના માથા હારે માથું ભટકાણુ એટલે કાંઇ કેવા જેવું હોય નઇ.

સુકલડીનાં દેકારા ને બાપોમારી ચાલુ થઇ,”ગ્યા-ઓઇ મા ને ઓઇ માડી…મરી ગ્યો..”..માથામાથી લોહી નીકળી ગ્યુ.તાત્કાલિક બે-ચાર જુવાનિયા એને જીવણ વૈધના ઘરે લઇ ગ્યાં.

એવામાં ગામની મુખીની ખટારી(જીપ)દેખાણી અને બધા એક બાજુ હટીને મુખીની ખટારી માટે જગ્યા કરી,ગામના બધા માણસોને જોઇને મુખી ઉભા રહ્યાં.

બધાએ ખરાજ સાહેબને મુખીની સામે રજુ કર્યા અને જે જે લોકોને ખરાજની જાહેરમાં ઠપકારેલિ કવિતાથી હાનીઓ અને ક્ષતિઓ પહોંચી હતી એની વિગતવાર ફરિયાદ કરી.અંતે મુખીએ ન્યાય તોળવાં ખરાજ સાહેબને ખટારીમાં બેસાડીને પંચાયત ઓફિસે લઇ ગ્યાં.રસ્તામાં ખરાજ સાહેબે મુખીને પોતાની પાસે પડેલી મુંબઇથી મફતમાં આવેલી વ્હિશકીની બાટલી દેવાનો સોદો ખાનગીમાં કરી લિધો.

પંચાયતમાં બધાની કેફિયત સાંભળીને ખરાજ સાહેબને ઠપકો આપીને છૉડી દીધા,ઓલી બોટલ લેવા હારું થઇને મુખીએ પોતાની ખટારીમાં ખરાજ સાહેબને ઘરે છોડવા નીકળી ગ્યાં

જતાં ખરાજ સાહેબે પોતાના યાદગાર શેર પબ્લિકની સામે રજુ કરવાનો મોહ ના છોડી શકયાં.

જે હક્કીતમાં ઓલી ટાપટીપવારી જુવાનબાઇને કહેવા માટે હતો

મારા ચાંદ પર લોકોની બુરી નજર કેવી પડી સે
ફુલોની બદલે કચરાની છાબડીના અસહ્ય ઘા કરે સે

ચચરે છે કેવાં જાહેરમાં પડેલા ઘાવ કવિના દિલમાં
પ્રાસ મળતા ’કચરો’ પણ કવિતા બની જાય સે,

લેખક-
(સ્વામી બધિરાનંદ અને અધિરાનંદનાં પ્રથમ હરોળનાં શિષ્ય)
જીનિયર સ્વાંમી નરેશદાસ
(જોગીદાસ ખૂમાણની આંબરડીવાળા)
Advertisement

1 comment: